Back

કલોલ અને જુનું ગાયકવાડી શાસન



અગાઉના સમયમાં ગુજરાતમાં ઘણા વર્ષો સુધી મોગલ રાજ રહ્યુ. ત્યારબાદ સત્તરમી સદીમાં મરાઠાઓનું રાજ આવ્યુ. ઈ.સ.૧૭૫૦ પછી ઉત્તર ગુજરાત સુધી મરાઠા ગાયકવાડી રાજ સ્થપાયુ. આપણુ કલોલ વડોદરાના ગાયકવાડના આધિપાય નીચે આવ્યુ. આ ગાયકવાડી રાજાઓએ આ પ્રદેશમાં લોકાભિમુખ શાસન શરૂ કર્યુ. જેને લીધે આ વિસ્તારની પ્રજાને અગાઉના શાસન કરતા વધુ સુખ શાંતિ નિર્ભિકતા મળી. લોકોના રાજકીય અસ્તિરતા અને વેપારમાં સુધારો થયો. અઠારમી સદીમાં દેશમાં અંગ્રેજાનુ અને આપણા કલોલ ગુજરાતમાં ગાયકવાડી શાસન સ્થપાયુ. નવી શૈક્ષણિક આર્થિક સામાજીક પરિવર્તનની શરૂઆત થઈ. વિશ્વમાં અઢારમી સદીમાં થયેલ ઔધોગિક ક્રાંતિની અસર શરૂ થઈ. ઈ.સ. ૧૮૭૫ પછી વડોદરામાં રાજા તરીકે શ્રીમંત સયાજી રાવ ગાયકવાડ આવ્યા. આ સયાજીરાવ ગાયકવાડ બાહોરા દુરદેશી અને પ્રજાવત્સલ રાજવી હતા. તેમને ઘણા લોકભિમુખ કાર્યો કર્યા. તેમની હકુમતમાં વિકાસના નવા દ્વાર ખુલ્યા. પ્રજાને સુખ સુવિધા અને વ્યવસ્થઇત શાસન પ્રણાલી સ્થાપી. તેમને ગામે ગામ સરકારી કચેરી, પોલીશ સ્ટેશન, ન્યાયાલય બનાવ્યુ. તેઓ પોતે શિક્ષણ પ્રેમી હતા. પોતાના રાજમાં ગામે - ગામ પ્રાથમિક શાળાઓની સ્થાપના કરી પ્રજાને શિક્ષિત કરી. કલોલમાં ૧૮૯૦માં ટાવર પાસે પ્રાથમિક શાળા બનાવી. જે લાલતિ શાળા તરીકે જાણીતી થઈ. ત્યારબાદ વિદેશોમાં શરૂ થયેલી આધુનિક મેડીકલ સેવાઓની રાજમાં ગામે - ગામ દવાખાના ખોલી શરૂઆત કરી. ભણેલા ડોક્ટરોની નિમણુક કરી. લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી. ન્યાયાલયોમાં ન્યાય પ્રણાલી શરૂ કરી. શિક્ષિતોને કાયદાનું ભણાવી વકીલાતની સનદો આપી. ખૂની બંગલા પાસે નવુ કોર્ટનું મકાન બનાવ્યુ. તેમના સમયમાં કલોલમાં મામલતદાર કચેરીનું મકાન જુની લાલનિશાળ, જુનુ નગરપાલિકા ભવન, સરકારી દવાખાનુ, વ્યાયામ શાળાનું મકાન, રેલ્વે સ્ટેશનનું મકાન, પાયગા સ્કૂલ, જુનુ તાલુકા પંચાયતનું મકાન વગેરે બન્યા. તેમના દ્વારા દાન આપીને સ્ટેશન ઉપર ધર્મશાળા પણ બનાવેલી. તેમના રાજમાં અગાઉ અમદાવાદ - દિલ્લીની રેલ્વે લાઈન જ હતી. તેમને કડી - બેચરાજી અને વિજાપુર તરફ રેલ્વે લાઈન નખાવી. જેને લીધે કલોલનો વિકાસ થયો. તેમના રાજમાં શિક્ષણ અસ્પૂશ્યતા નિવારણ, વિધવા વિવાહને વેગ મળ્યો. તેમને દલિતો ઉપરાંત સમાજના નીચલા વર્ગો માટે આજ થી સો વર્ષ પહેલા બક્ષીપંચ જેવા પંચની સ્થાપના કરી. નીચલા સમાજને શિક્ષણ આપી સામાજીક રીતે જાગૃત કર્યા. તેમના સમયમાં કલોલની આસપાસના વિસ્તારોમાં રીઢા ગુને ગારોનો ત્રાસ હતો. તેમને વડોદરાથી સ્પેશ્યીલ પોલીસ અધિકારી માનસિંહ રાવને મોકલી ગુનાખોરી નાબૂદ કરી. ઓગણીસમી સદીની શરૂઆતમાં રાજ્યમાં ભયંકર દુકાળ પડેલો. જે કાળીયા દુકાળ તરીકે ઓળખાતો. તેમને કલોલના મોટા તળાવ પાવઠી તળાવ, બોરીસણાનું તળાવ, થોળનું તળાવ ઉંડુ કરાવેલુ. કલોલની નજીક ગામોમાં કાચા રસ્તાઓ, નવા કુવાઓ બનાવેલા. ગામટાઓમાં પણ પ્રાથિમક શાળાઓ બનાવેલી. ખેતીવાડી અધિકારીની નિમણુકો કરી ખેતીમાં પણ સુધારા કરાવેલા. ગામે - ગામ જમીન માપણી કરી ખેડુતોને તેમની જમીનની સનદો આપી હતી. તેઓ પોતાના રાજમાં ઉધોગો સ્થપાય તે માટે પણ ઉત્સુક હતા. સૌ પ્રથમ કલોલમાં નવજીવન મીલ તેમને કલોલમાં ઉભી કરવામાં રાજ્ય તરફથી સહકાર આપ્યો. તે પછી તેમને હાલની ભારત વિજ્ય મીલ અને કેલીકો મીલ માટે પણ તે વખતના શેઠીયાઓને લાવી શરૂ કરાવી. કલોલમાં વિજળી માટે પાવર હાઉસનું લાયસંસ પણ આપેલું. આમ કલોલમાં ઉદ્યોગો શરૂ કરાવી કલોલના વિકાસના શ્રીગણેશ કરેલા. જેના લીધે પછી બીજી મીલ અને મીલ આધારીત કારખાના બેનલા. તેઓ પોતાની પ્રજાને લોકાશાહી માટે પણ પ્રેરીત કરી હતી. વડોદરા રાજમાં ૧૯૦૭થી વડોદરા રાજ્ય ધારાસભાની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં રાજ્ય તરફથી અગ્રણીઓની ધારાસભ્ય તરીકે નિમણુક કરવામાં આવતી. તેમાં કલોલમાંથી ચીમનભાઈ પંચોલી વકીલ, રસુલભાઈ મલેક અને મણીભાઈ ધુળાભાઈ પટેલ વકીલની નિમણુક થયેલી. આમ રાજ્યમાં વડોદરાના ગાયકવાડી શાસન દરમ્યાન ગુજરાતનો ઘણો વિકાસ થયો. શિક્ષણ, સામાજીક અને આર્થિકક્ષેત્રે સારી પ્રગતિ થઈ. તેઓએ ૧૯૦૦ થી ૧૯૪૯ સસિધીના ગાળામાં કલોલ શહેરે ઘણી પ્રગતિ કરી. રાજ્યના સુશાસન નો લાભ મેળવ્યો. કલોલમાં નવી મીલ, કારખાના બન્યા વેપાર ધંધા વિકસ્યા. કલોલની વસ્તી વધતી રહી. આ સમયને કલોલના વિકાસનો સુવર્ણ કાળ ગણી શકાય. ગાયકવાડી શાસનના ઘણા મકાનો હજીપણ ઉભા છે. હાલ પણ જુના વડીલો ગાયકવાડી સુશાસનને યાદ કરે છે. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના રાજને યાદ કરી બિરદાવે છે. અમારા સમયમાં આવા રાજવી હતા. તેમ કરી ઈતિહાસ વાગોળી ગૌરવ અનુભવે છે. - નાગેશ ખમાર