કલોલના દાનવીર જૈન વણીકો
કલોલમાં ઘણા વર્ષોથી વણીકો સ્થાયી થયેલા છે. કલોલની સ્થાપના પછી કલોલના દરબારે વિવિધ કોમોને ગામમાં વસાવી. સૌ પ્રથમ દિગંબર જૈનો કલોલમાં આવેલા. રાજસ્થાનના નરસિંહપુરા ગામથી આ વણીકો કલોલમાં ૫૫૦ વર્ષ પહેલા વસેલા. શરૂમાં તેઓ પ્રાંતિજમાં આવેલા . પણ પ્રાંતિજમાં જૈનોની વસ્તી વધારે હોવાથી ધંધાકીય રીતે સ્થાયી ન થયા. ત્યારે કલોલના દરબાર પ્રાંતિજ ગયેલા અને આ વણીકોને મળેલા. કલોલના દરબારે તેમને કહ્યુ મારા ગામમાં વણીકો નથી આથી તમને વસવાટ કરવો ગમશે. આથી આ નરસિંહપુરાનો એક સમુદાય કલોલમાં આવીને વસ્યો. કલોલના દરબારે ગામના ટેકરા વિસ્તારમાં તેમને વસાવ્યા. અહિ આ વણીકોએ વસવાટ કર્યાે. નજીકમાં ધંધા શરૂ કર્યા. તેમનું મંદિર પણ બનાવ્યું. આ વણીકો વખારો બનાવી ધંધા કરતા આથી વખારીયા તરીકે ઓળખાયા. ત્યાર પછી શ્વેતાંબર અને સ્થાનકવાસી વણીકોના વડવાઓ ૫૦૦ વર્ષ પહેલા કલોલમાં વિસનગરથી આવેલા. પાટણમાં ચાવડા શાસકોના પતન પછી વિસનગર ઈડર સ્ટેટના તાબામાં હતું. ઈડરના દરબાર વતી વિસનગરમાં વણીક આગેવાનો કારભાર ચલાવતા હતા. આમાના એક ભવાન શેઠ પણ હતા. ત્યારબાદ વિસનગર મુસલમાન સુબાના હાથમાં આવ્યુ. આથી ભવાન શેઠે સારા ધંધાકીય તકો માટે બીજે જવાનુ વિચાર્યું. તે સમયે કલોલ સારૂ જણાતા ભવાન શેઠ તેમના કુટુબીજનો સાથે કલોલમાં આવ્યા. કલોલના દરબારે તેમને દિગંબર જૈનોની નજીકમાં વસાવ્યા. જ્યાં આ વણીકો સ્થાયી થઈ રહ્યા તે વાસનું નામ ભવાન શેઠના નામ પરથી શેઠ વાસ પડ્યું. તેમની અટક પણ શેઠ લખાય છે. આ વણીકો પણ કલોલમાં સ્થાયી થઈ ધંધા ઉભા કર્યા. તેમને પણ નજીકમાં તેમનું મંદિર બનાવ્યું. કલોલના દરબારે પછીથી નજીકમાં ગામો વસાવ્યા. કલોલથી ઘણા વણીકો વ્યાપાર કરવા આ ગામોમાં વસ્યા. કલોલ નજીક પાનસર, નારદીપુર, સોજા, કૈયલ, છત્રાલ, સરઢવ, ટીંટોડા, આદરજ, શેરીસા, ભોયણ, સાંતેજ, ઓગણજ, ખાત્રજ, વેડા, ખોરજ ડાભી વગેરમાં જૈનો વસેલા. હાલ કલોલમાં દિગંબર,શ્વેતાબંર,સ્થાનકવાસી એમ ત્રણે ફીરકાઓના ૫૫૦ ઘરો આવેલા છે. જેઓ નોકરી વેપાર ઉધોગો સાથે સંકળાયેલા છે. આ વણીકો કલોલમાં જે તે સમયના સત્તાધીશો વત્તી કારભાર સંભાળતા. કલોલમાં ધાર્મિક સેવાકીય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રણી રહ્યા. ઘણી સંસ્થાઓ બનાવી સેવાકીય કાર્યાે કર્યા. પાંજરાપોળ જેવી જીવદયાની સંસ્થા બનાવી હિન્દુ સંસ્કૃતિના વાહક બન્યા. આ સમાજમાં વેપારીઓ ઉપરાંત સારા જજ - વકીલ - ડાpક્ટર પણ થયા છે. ઘણા વણીકો કલોલ છોડી સારા આર્થિક ઉપાર્જન અર્થે મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ સ્થાયી થયા. વેપાર ઉદ્યોગો બનાવી આર્થિક સધ્ધર થયા છે. આ કલોલ તથા બહાર વસતા કલોલના વણીકોએ કલોલની પ્રજા માટે દાનની ગંગા વહાવી છે. કલોલમાં વિવિધ સંસ્થાઓ માં અનુદાન કરવામાં દિગંબર જૈનો અગ્રણી રહ્યા છે. અગાઉ કલોલમાં પ્રાણલાલ જેશીંગલાલ વખારીયાની શરાફ ધીરધારની પેઢી આવેલી હતી. જે કલોલ અને આજુ બાજુમાં જાણીતી હતી. આ પેઢી ગાયકવાડ સરકાર વતી પણ નાણાકીય કારોબાર કરતા. આ પ્રાણલાલ જેશીંગલાલ વખારીયા તરફથી સૌપ્રથમ દાન આપીને વખારીયા પી.જે.હાઈસ્કૂલ બનાવી હતી. ત્યારબાદ આ હાઈસ્કૂલને ચલાવવા ઘણા વર્ષો સુધી દાન આપી ચલાવી હતી. તેમના ભાઈ છગનભાઈ જેશીંગભાઈ તરફથી અનુદાન આપી ટાવર પાસે છગનભાઈ જેશીંગલાલ વખારીયા ટાઉન હોલ બનાવ્યો. વાડીલાલ જગજીવનદાસ શાહની પણ કલોલમાં ધીરધારની મોટી પેઢી આવેલી હતી. આ વાડીલાલે તેમના પુત્ર સુમનભાઈના નામે સુમન બાલમંદિર બનાવેલું. આ સુમનભાઈ ભાણાભાઈ ના નામે પણ ઓળખાતા. વાડીલાલે ટાવર પણ બનાવેલું જે ભાણાભાઈ ટાવર તરીકે ઓળખાય છે. તેમને દાન આપીને શાહ વાડીલાલ જગજીવનદાસ વખારીયાની વાડી પણ બનાવી હતી. કલોલ નજીક છત્રાલમાં રહેતા કલોલના દિગંબર જૈન કસ્તુરચંદ જુઠાલાલ કુટુંબ દાન આપવામાં અગ્રેસર રહ્યા છે. કસ્તુરચંદ જુઠાલાલ તરફથી વખારીયા હાઈસ્કૂલમાં કસ્તુરચંદ જુઠાલાલ વિદ્યાલય, છત્રાલમાં કસ્તુરચંદ જુઠાલાલ પ્રાથમિક શાળા અને અમદાવાદમાં કસ્તુરચંદ જુઠાલાલ છાત્રાલય બનાવવામાં આવ્યા છે. કસ્તુરચંદ જુઠાલાલને પાંચ પુત્રો હતા જેઓ મુંબઈમાં ધંધાર્થે સ્થાયી થયેલા છે. તેમના પુત્ર કેશવલાલ કસ્તુરચંદના નામે વખારીયા હાઈસ્કૂલમાં કેશવલાલ કસ્તુરચંદ વિજ્ઞાનભવન અને બગીચામાં ઈલાબેન હસમુખલાલ શાહ બાળક્રિડાગણ ઉભા કરવામાં આવ્યા છે. ચંદુલાલ કસ્તુરચંદ તરફથી શાહ ચંદુલાલ કસ્તુરચંદ શાહ કોમર્સ કોલેજ આભાર - નિહારીકા રવિયા બનાવેલી છે. રમણીકલાલ કસ્તુરચંદ તરફથી કલોલમાં રમણીકલાલ કસ્તુરચંદ આંખની હોસ્પિટલ - આર.કે. આંખની હોસ્પિટલ પંચવટીમાં બનાવી છે. છત્રાલમાં રમણીકલાલ કસ્તુરચંદ શાહ શૈક્ષણિક સંકુલ અને આર.કે.શાહ સ્પોર્ટસ સંકુલ ઉભા કરવામાં આવ્યા છે. આ રમણીકલાલ કસ્તુરચંદના પુત્ર જશુભાઈ રમણીકલાલ મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ હતા. તેમના દ્વારા જશુભાઈ ફાઉન્ડેશન નામનું ચેરીટી ટ્રસ્ટ ચલાવવામાં આવે છે. જેના દ્વારા દેશભરમાં માતબર રકમનું દાન કરવામાં આવે છે. આ જશુભાઈ ફાઉન્ડેશન તરફથી કલોલની પાંજરાપોળમાં સારું અનુદાન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત તેમના દ્વારા મુંબઈમાં વિખ્યાત સન્મુખાનંદ હોલના સમારકામ માટે પાંચ કરોડ અને લીલાવતીબેન હોસ્પિટલ રીનોવેશન માટે પાંચ કરોડ તથા મદ્રાસની આંખની હોસ્પિટલ માટે એક કરોડનું અનુદાન આપવામાં આવ્યુ છે. કલોલના જીવણલાલ ગોપાળદાસ વખારીયા કુટુંબ તરફથી જૈનોના પ્રસિધ્ધ યાત્રાધામ તારંગા ખાતે અમરતલાલ જીવણલાલ વખારીયા ધર્મશાળા અને રત્નપ્રભાબેન કાંતિલાલ વખારીયા એ.સી.ધર્મશાળા બનાવવામાં આવી છે. કલોલના પણ મુંબઈમાં રહેતા સાકરલાલ બુલાખીદાસ શાહ તરફથી કોલેજમાં શાહ સાકરલાલ બુલાખીદાસ ઈન્ડોર સ્પોર્ટસ સંકુલ બનાવેલ છે. સ્થાનકવાસી જૈન અને કલોલના નગરશેઠના પુત્ર હસમુખલાલ ચીનુભાઈ શેઠ મુંબઈમાં મોટા ઉઘોગપતિ છે. તેમના દ્વારા કલોલ તાલુકા કેળવણી મંડળમાં એક કરોડ એકત્રીસ લાખનું અનુદાન આપી કેળવણી મંડળના વિદ્યાસંકુલ ને શકરીબેન ચીનુભાઈ નગરશેઠ વિદ્યાસંકુલ નામ આપવામાં આવ્યું છે. બીજા સ્થાનકવાસી જૈન શેઠ નાગરદાસ કેશવલાલ તરફથી અનુદાન આપીને શેઠ નાગરદાસ કેશવલાલ સ્થાનકવાસી જૈનવાડી બનાવેલ છે. આમ કલોલના આ જૈન વણીકોએ વિવિધ સંસ્થાઓમાં દાન આપી તેમની કલોલ પ્રત્યેની માતૃભૂમિનું ઋણ અદા કર્યુ છે. દાનની સરવાણી વહાવી કલોલમાં ધર્મ શિક્ષણ જીવદયા સંસ્કૃતિની જ્યોત જલતી રાખી છે અને કલોલના વિકાસમાં ગૌરવવંતો ફાળો આપ્યો છે. - નાગેશ ખમાર